અનિલ અંબાણીની 45 અબજ ડૉલરના માલિકમાંથી 'દેવાળિયા' બનવાની કહાણી
મૂળ ગુજરાતના એવા ધીરુભાઈ અંબાણીનો પરિવાર તેમની ભવ્યતા અને આર્થિક બાબતો માટે વિશ્વભરમાં જાણીતો છે. જોકે આ પરિવારમાં એક નામ એવું છે, જે આર્થિક રીતે સંકટમાં છે અને એ છે અનિલ અંબાણી.
અનિલ અંબાણી લંડનની કોર્ટમાં તેમણે આપેલા નિવેદનથી ફરી ચર્ચામાં છે.
કોર્ટમાં અનિલ અંબાણીએ કહ્યું કે તેઓ સામાન્ય જીવન જીવે છે અને આર્થિક બાબતોને પહોંચી વળવા ઘરેણાં વેચવા મજબૂર છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર, દેવામાં ડૂબેલા ભારતીય કારોબારી અનિલ અંબાણીએ લંડનની કોર્ટમાં કહ્યું કે તેઓ આ સમયે સામાન્ય જીવન જીવી રહ્યા છે, તેમની પાસે એક કાર છે અને વકીલોની ફી ભરવા માટે તેમને ઘરેણાં વેચવા પડી રહ્યાં છે.
તેમણે કોર્ટને કહ્યું કે જાન્યુઆરી અને જૂન 2020ની વચ્ચે તેઓને ઘરેણાંના બદલામાં 9.9 કરોડ મળ્યા હતા અને હવે તેમની પાસે એવી કોઈ ચીજ નથી જેની કિંમત હોય.
જ્યારે તેમને તેમની કાર અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તેમની પાસે ક્યારેય પણ રૉલ્સ રૉયલ કાર નહોતી અને તેઓ હવે માત્ર એક કાર ચલાવી રહ્યા છે.
બ્રિટનની હાઈકોર્ટે 22 મે, 2020માં એક આદેશમાં અંબાણીને કહ્યું હતું કે તેઓ ચીનની બૅન્કોના 5281 કરોડ રૂપિયા દેવું 12 જૂન સુધી ચૂકવે.
તેમને બૅન્કોની લીગલ ફીના સાત કરોડ રૂપિયા પણ આપવા માટે કહેવાયું હતું.
શું છે ચીની બૅન્કોનો અંબાણી સામેનો કેસ?
ચીનની બૅન્કોએ લંડનની કોર્ટમાં અનિલ અંબાણી સામે કેસ કર્યો છે.
મીડિયા અહેવાલ અનુસાર, ત્રણ ચીની બૅન્ક 700 મિલિયન ડૉલર એટલે કે પાંચ હજાર કરોડ રૂપિયાથી પણ વધુની વસૂલી માટે અનિલ અંબાણીની કંપનીને બ્રિટનની હાઈકોર્ટમાં લઈ ગઈ. આ રકમમાં દેવા પર લાગેલું વ્યાજ પણ સામેલ છે.
અનિલ અંબાણીએ અગાઉ બ્રિટનની કોર્ટને કહ્યું હતું કે તેમની 'શુદ્ધ સંપત્તિ એટલે નેટ વર્થ શૂન્ય છે' અને તેઓ 'દેવાળિયા' છે.
ઇન્ડસ્ટ્રીયલ ઍન્ડ કૉમર્શિયલ બૅન્ક ઑફ ચાઇના લિમિટેડ (આઈસીબીસી), ચાઇના ડેવલપમૅન્ટ બૅન્ક અને એક્સપૉર્ટ-ઇમ્પૉર્ટ બૅન્ક ઑફ ચાઇનાએ રિલાયન્સ કમ્યુનિકેશન (આરકૉમ)ને કરજ આપ્યું હતું, જે તેમને પરત મળ્યું નથી.
અનિલ અંબાણીનાં વળતાં પાણી
એક દાયકા પહેલાં અનિલ અંબાણી સૌથી ધનવાન ભારતીય બનવાની અણી પર હતા.
એ સમયે તેમના ઉદ્યોગો વિશે એવું કહેવાતું હતું કે 'તેમનો દરેક વેપાર વિસ્તરી રહ્યો છે અને અનિલ તેનો લાભ લેવા માટે તૈયાર છે.'
આર્થિક બાબતોના જાણકાર એવું માનતા હતા કે 'અનિલની પાસે દૂરંદેશી અને જોશ છે. તેઓ 21મી સદીના ઉદ્યમી છે અને તેમના નેતૃત્વમાં ભારતમાં એક મોટી બહુરાષ્ટ્રીય કંપની ઊભી થશે.'
અનેક લોકોને એવું લાગતું હતું કે અનિલ તેમના ટીકાકારો તથા મોટાભાઈને ખોટા સાબિત કરી દેશે, પરંતુ એવું ન થયું.
ભાઈઓ મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વચ્ચે સંપત્તિનું વિભાજન થયા બાદ અનિલ અંબાણીનો કોઈ પણ ધંધો ચાલ્યો ન હતો અને તેમની પર દેવું વધતું ગયું.
ઉલ્લેખનીય છે કે રફાલ વિમાન બનાવનારી દસૉ ઍવિયેશને અનિલ અંબાણીની રિલાયન્સ ઍરોસ્ટ્રક્ચર લિમિટેડને ઑફસેટ પાર્ટનર બનાવી છે, જેના કારણે અમુક સવાલ ઊભા થયા હતા.
2008માં રિલાયન્સ પાવરનો પબ્લિક ઇસ્યુ આવ્યો, તે પહેલાં એવું માનવામાં આવતું હતું કે મુકેશ અંબાણી કરતાં અનિલ આગળ નીકળી જશે.
એવી અટકળો હતી કે 'આ તેમનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે અને એક શૅરની કિંમત રૂપિયા એક હજાર પર પહોંચી જશે.' જો એવું થયું હોત તો ખરેખર મુકેશ કરતાં અનિલ અંબાણી આગળ નીકળી ગયા હોત. પણ ખરેખર એવું ન થયું.
અનિલ આર્થિક રીતે કંગાળ કેમ થયા?
જ્યાં સુધી ધીરુભાઈ જીવિત હતા, ત્યાં સુધી અનિલ અંબાણીને નાણાબજારના સ્માર્ટ ખેલાડી માનવામાં આવતા હતા.
તેમને માર્કેટ વૅલ્યુએશનનાં આર્ટ તથા સાયન્સ એમ બંનેના નિષ્ણાત માનવામાં આવતા હતા. એ સમયે મુકેશની સરખામણીએ અનિલ અંબાણી વધુ પૉપ્યુલર હતા.
વર્ષ 2002માં ધીરુભાઈ અંબાણીનું નિધન થયું. તે સમયે અને તેના થોડા સમય પછી પણ કંપનીની ઉત્તરોત્તર પ્રગતિનાં ચાર મુખ્ય કારણ હતાં.
મોટી યોજનાઓનું સફળ સંચાલન, સરકારો સાથે સારું સામંજસ્ય, મીડિયા મૅનેજમૅન્ટ તથા આશાઓ પર ખરું ઊતરવું.
મુકેશ અંબાણીએ પણ પિતાની જેમ ચારેય બાબતોનું ધ્યાન રાખ્યું, પરંતુ અનિલ કોઈ ને કોઈ કારણસર પાછળ રહી ગયા.
1980-90 દરમિયાન ધીરુભાઈએ રિલાયન્સ ગ્રૂપ માટે બજારમાંથી સતત પૈસા ઊભા કર્યા. તેમના શૅરની કિંમત હંમેશાં સારી રહી, જેના કારણે રોકાણકારોનો તેમનામાં વિશ્વાસ જળવાઈ રહ્યો.
જોકે વર્ષ 2010માં ગૅસના કેસનો ચુકાદો અનિલ અંબાણીની તરફેણમાં ન આવ્યો અને રિલાયન્સ પાવરના ભાવ સતત ગગડતા રહ્યા. આને કારણે અનિલ અંબાણીનો માર્ગ મુશ્કેલ બની ગયો.
આ સંજોગોમાં અંબાણી પાસે ભારતીય તથા વિદેશી બૅન્કો તથા નાણાસંસ્થાઓ પાસેથી લૉન લેવા સિવાય કોઈ વિકલ્પ ન રહ્યો.
જ્યારે અનિલ અંબાણીને આંચકો લાગ્યો
કહેવાય છે કે અનિલ અંબાણીએ સંપત્તિના ભાગલા સમયે એક શરત રાખી હતી કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝથી નીકળતો ગૅસ અનિલની કંપનીને મળતો રહે.
ગૅસની જે કિંમત નક્કી કરાઈ હતી એ ઘણી સસ્તી હતી. એ રીતે અનિલ અંબાણીએ પોતાના પ્લાન્ટો માટે સસ્તામાં કાચા માલની વ્યવસ્થા કરી લીધી હતી. ગૅસની સસ્તી કિંમત એક રીતે તેમને નફો કરાવી શકતી હતી.
જોકે કમનસીબે અનિલ અંબાણીની આ યોજના રાજનીતિ અને કોર્ટના ચક્કરમાં આવી ગઈ. કેન્દ્ર સરકાર અને તેમના મોટા ભાઈ (મુકેશ અંબાણી) તેમને કોર્ટમાં લઈ ગયા.
2010માં સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે તેલ અને ગૅસ રાષ્ટ્રીય સંપત્તિ છે, તેને કેવી રીતે અને કઈ કિંમતે વેચવું એનો નિર્ણય કરવાનો અધિકાર માત્ર સરકારને છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીને કોર્ટે આદેશ આપ્યો કે તે અન્ય વીજળી બનાવતી કંપનીઓને પણ ગૅસ વેચે.
સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી અનિલ અંબાણીને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો. તેઓ બજારમાંથી ઊંચી કિંમતે તેલ ખરીદવા પર મજબૂર થઈ ગયા. અને એ રીતે ભારે નફો અને રોકાણ કરીને આગળ વધવાના તેમની આશા પર પાણી ફરી વળ્યું.
એક સમયે 45 અબજ ડૉલરના માલિક હતા અનિલ
2005માં જ્યારે સંપત્તિના ભાગલા પડ્યા ત્યારે મુકેશ અંબાણીના ભાગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આવી જે સમૂહની સૌથી મોટી કંપની હતી. જ્યારે અનિલ અંબાણીના ભાગમાં ટેલિકૉમ આવી.
ટેલિકૉમના વિસ્તારની મોટી સંભાવના હતી પણ તેમાં શરૂઆતમાં ભારે રોકાણની પણ જરૂર હતી.
સંપત્તિના ભાગલાના બે વર્ષ પછી 2007માં આવેલી ફોર્બ્સની ધનિકોની યાદીમાં બંને ભાઈ (મુકેશ અને અનિલ) ધનવાનોની યાદીમાં ઘણા ઉપર હતા.
મોટાભાઈ મુકેશ અનિલ અંબાણીથી થોડા વધુ ધનિક હતા. આ વર્ષની સૂચિ પ્રમાણે અનિલ અંબાણી 45 અબજ ડૉલરના માલિક હતા અને મુકેશ અંબાણીની સંપત્તિ 49 અબજ ડૉલર હતી.
જ્યારે 2019 આવતાંઆવતાં અનિલ અંબાણીની સંપત્તિમાં ઘણો ઘટાડો થઈ ગયો હતો.
2018ની ફોર્બ્સની ધનિકોની યાદી પ્રમાણે મુકેશ અંબાણીની સંપત્તિમાં સામાન્ય ઘટાડો થયો હતો. તેમની સંપત્તિ ત્યારે 47 અબજ ડૉલરની હતી.
જોકે એક સમયે 45 અબજ ડૉલરની સંપત્તિ ધરાવતાં અનિલ અંબાણીની સંપત્તિ ઘટીને 2.5 અબજ ડૉલર રહી ગઈ હતી.
અનિલ મુકેશ અંબાણીથી પાછળ રહી ગયા
અનિલ અંબાણની અમુક કંપનીઓએ નાદારી જાહેર કરવા માટેની અરજી દાખલ કરી હોવાનું પણ મનાય છે.
વરિષ્ઠ પત્રકાર આલમ શ્રીનિવાસે રિલાયન્સ જૂથ વિશે 'અંબાણી વર્સિસ અંબાણી: સ્ટોર્મ ઇન ધ વિન્ડ' નામનું પુસ્તક લખ્યું છે.
તેમના કહેવા પ્રમાણે, "એક તબક્કે ધીરુભાઈ અંબાણીના ખરા વારસદાર હોવા મુદ્દે બંને ભાઈઓ વચ્ચે સ્પર્ધા હતી. હવે તે ખતમ થઈ ગઈ છે અને અનિલ તેમના મોટાભાઈ મુકેશથી ખૂબ જ પાછળ રહી ગયા છે."
"અનિલ અંબાણીનો ચમત્કારિક રીતે બચાવ ન થયો તો કમનસીબે તેમની ગણતરી દેશના વેપાર ઇતિહાસમાં સૌથી નિષ્ફળ ઉદ્યોગપતિઓમાં થશે, કારણ કે એક દાયકામાં 45 અબજ ડૉલરની રકમ ધોવાઈ જવી એ કોઈ સામાન્ય બાબત નથી."
તેઓ ઉમેરે છે, "લડાઈ દરમિયાન બંને ભાઈઓએ એકબીજા પર દરેક પ્રકારે હુમલા કર્યા. સરકાર તથા મીડિયા ખાસ્સા સમય સુધી બે જૂથમાં વિભાજિત રહ્યા, પરંતુ ધીમે-ધીમે મુકેશ અંબાણીએ મીડિયા તથા તંત્રના લોકોને પોતાની તરફેણમાં કર્યા."
"આ લડાઈ દરમિયાન અનિલ અંબાણીએ કેટલાક નવા મિત્ર બનાવ્યા, તો કેટલાક દુશ્મન પણ ઊભા કર્યા. પ્રભાવશાળી નેતાઓ-અધિકારીઓ અને સંપાદકોએ અનિલની સરખામણીએ વધુ સૌમ્ય અને શાંત મુકેશને સાથ આપવાનો નિર્ણય કર્યો."
Source : BBC Gujarati
No comments:
Post a Comment